સંઘના કોઈ નિર્ણયો રાજકીય દબાણ અનુસાર થતા નથી :
ડૉ. જયંતીભાઈ ભાડેસિયા
(ગુજરાત પ્રાંત સંઘચાલક, રા.સ્વ.સંઘ)
રાજકીય ક્ષેત્રના દબાણની વાત ઉપજાવી કાઢેલી, તકસાધુ, તથા મીડિયામાં ચમકતા રહેવા ઇચ્છતાં તત્ત્વોની શાબ્દિક ચાલ છે.(ગુજરાત પ્રાંત સંઘચાલક, રા.સ્વ.સંઘ)
છેલ્લા થોડાક સમયથી મીડિયા દ્વારા સંઘ અને પ્રચારકોને લઈને ઘણી બધી ખોટી અને ભ્રામક માહિતીઓ ફેલાવવામાં આવી રહી હતી. તેના અનુસંધાનમાં તા. ૨જી જુલાઈના રોજ સંઘ દ્વારા એક સ્પષ્ટ પ્રેસનોટ આપીને તેવું જાહેર કરવામાં આવ્યું કે રા.સ્વ.સંઘના ત્રણેય પ્રચારકોને તેમની ઉંમરને ધ્યાનમાં લઈને સંઘની પ્રાંતકાર્યકારિણીના સદસ્ય તરીકેની જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે અને આ પ્રચારકોના અનુભવનો લાભ ભવિષ્યમાં પણ સંઘને મળતો રહેશે.
આટલી સ્પષ્ટ પ્રેસનોટ આપ્યા છતાં પણ મીડિયા દ્વારા સંઘ અને પ્રચારકોના સંદર્ભમાં વધુ ને વધુ ખોટી માહિતી પ્રસારિત કરવામાં આવી. આવા સમયે ‘સાધના’ ટીમે રા.સ્વ.સંઘના ગુજરાતના પ્રાંત સંઘચાલક મા.શ્રી જયંતીભાઈ ભાડેસિયાની મુલાકાત લીધી. પ્રસ્તુત છે તે મુલાકાતના અંશો.
તાજતેરમાં આર.એસ.એસ. - ગુજરાત પ્રાંતે ત્રણ વરિષ્ઠ પ્રચારકોને પદાધિકારી તરીકે મુક્ત કરી દીધા છે. પ્રચાર માધ્યમોમાં તેમની હકાલપટ્ટી કરવામાં આવી છે એવા શબ્દો વપરાયા છે. તો સાચી હકીકત શું છે?
- ગુજરાતના વરિષ્ઠ પ્રચારકો માટે તેમની ઉંમરને કારણે વિશ્રાંતિ માટેની યોજના બની છે. સંઘમાં હકાલપટ્ટી જેવું કશું હોતું નથી. ઉંમર અને સ્વાસ્થ્યને કારણે આ પ્રકારની પ્રક્રિયા સ્વાભાવિક અને સહજ છે.
હકાલપટ્ટી જેવા શબ્દો વાપરીને સનસનાટીવાળા સમાચારો બનાવવામાં આવતા હશે. પરંતુ તેનાથી સંઘ અને હિન્દુ સમાજને દુ:ખ પહોંચ્યું છે. આ ત્રણેય વરિષ્ઠ પ્રચારકો અનુભવી, આદરણીય અને સંઘની મૂડી છે.
તેઓ ગુજરાતમાં જ રહેશે અને સ્થાનીય પ્રશ્ર્નોમાં તેમનું યોગદાન આપતા રહેશે. પૂ. સુદર્શનજી, રંગા હરીજી, મા, સૂર્યનારાયણજી, મા. સુરેશરાવજી કેતકર વગેરે પણ વિશ્રાંતિમાં છે.
મીડિયાએ સતત એવો પ્રચાર કર્યો છે કે આ ત્રણ પ્રચારકોની મુક્તિ કોઈ રાજકીય દબાણને કારણે થઈ છે. શું એ વાતમાં કોઈ તથ્ય છે?
- સંઘના કોઈ નિર્ણયો રાજકીય દબાણ અનુસાર થતા નથી. અનેક સંઘર્ષોમાં પણ સંઘ પોતાની કાર્યપદ્ધતિ અને નીતિરીતિને વળગી રહ્યો છે. સંઘના પ્રચારકોના કાર્ય અને કાર્યકાળ વિશે સંઘના વરિષ્ઠ અધિકારીઓ તથા જે તે પ્રચારકની સાથે વાતચીત થયા પછી જ યોજના બનતી હોય છે. રાજકીય ક્ષેત્રના દબાણની વાત ઉપજાવી કાઢેલી, તકસાધુ, તથા મીડિયામાં ચમકતા રહેવા ઇચ્છતાં તત્ત્વોની શાબ્દિક ચાલ છે.
ગુજરાતમાં ચૂંટણીની પૂર્વસંધ્યાએ એકજૂટ બનીને કામ કરવાને બદલે ભાજપમાં ભારે વિખવાદ ખદબદી રહ્યો છે એવું સ્પષ્ટ દેખાય છે. આ વિખવાદ દૂર કરવા સંઘ કોઈ પ્રયત્ન કરી રહ્યો છે?
- ભાજપના આંતરિક પ્રશ્ર્નો ઉકેલવાનું કામ ભાજપ સંગઠનનું પોતાનું છે. સંઘ માને છે કે બધાએ પોતાનું ઘર જાતે જ ઠીક કરવું જોઈએ. અલબત, આ ક્ષેત્રમાં કાર્યરત સ્વયંસેવકોના સંપર્કમાં રહીને આવા સમયમાં એક સ્વયંસેવકની ભૂમિકા કેવી હોવી જોઈએ એની ચર્ચા અવશ્ય થાય છે.
ગુજરાતના રાજકારણના આંતરિક વિખવાદોથી કલુષિત થયેલા વાતાવરણની માઠી અસર ગુજરાતના સંઘકાર્ય પર થઈ છે એવી વ્યાપક માન્યતા છે. આપનું શું કહેવું છે?
- વાતમાં કંઈ તથ્ય નથી. ગુજરાતનું સંઘકાર્ય શાખાઓની દૃષ્ટિથી ૧૦% વધ્યું છે, તથા આ વર્ષે થયેલા વિવિધ સંઘ શિક્ષા વર્ગોમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ ગત વર્ષ કરતાં ૨૦% વધારે રહ્યું છે. રાજકીય ક્ષેત્રની વાતો સાથે સંઘકાર્યને કશી લેવાદેવા નથી. આ પ્રકારે સંઘકાર્ય પર અસરની વાત એક ફેલાવાયેલો સંભ્રમ છે.
ગુજરાતના એક પ્રસિદ્ધ દૈનિકે પ્રસારિત કરેલી માહિતી પ્રમાણે સરકાર તરફથી સંઘને અઢળક આર્થિક મદદ મળે છે. દેશભરમાં ૭૦૦ કરતાં પણ વધુ વાહનોનાં નાણાં ગુજરાતના એક સત્તાધારી રાજકારણી તરફથી મળ્યાં છે. દૈનિકમાં છપાએલા આ લેખ બાબતે આપની શું પ્રતિક્રિયા છે? શું સંઘકાર્ય સરકારી ધનને આધારે ચાલે છે?
- સમાચાર પત્રની આ વાત સત્યથી વેગળી છે. નર્યા જુઠ્ઠાણા સિવાય કંઈ નથી. સંઘનું કામ સંઘના સ્વયંસેવકો દ્વારા સમર્પિત ગુરુદક્ષિણાના માધ્યમથી થાય છે. આવી જૂઠી ભ્રામક વાતો ફેલાવનારાઓએ અગાઉ પણ થૂંકેલું ચાટવું પડ્યું હતું. સંઘનાં બધાં કામ ખુલ્લા મેદાન જેવાં છે. આ પ્રકારના જૂઠા સમાચારોથી સંઘ કે સમાજને કંઈ અસર થતી નથી, ઊલટાનું જે તે સમાચાર માધ્યમની વિશ્ર્વસનીયતા ઘટે છે.
એવું દેખાય છે કે સંઘમાં જોડાતા નવા યુવાનોની સંખ્યા ઘટતી જાય છે. વાસ્તવિકતા શું છે?
- ગુજરાતમાં સંઘકાર્યમાં યુવાનોની સંખ્યા દર વર્ષે વધતી જ જાય છે. આ વર્ષે તો નવા કૉલેજિયન યુવાનો માટે (પ્રો.કો.) વિશેષ પ્રાથમિક વર્ગની યોજના કરવી પડી હતી.
ગુજરાત પ્રાંતની કુલ શાખાઓ પૈકી ૮૦ ટકાથી વધુ શાખાઓ તરુણ વિદ્યાર્થી તથા યુવાન વ્યવસાયીઓની છે.