મોરબીના પનોતા પુત્ર ઓધવજીભાઈ પટેલ કે જેઓ ઓ.આર. પટેલ ના નામે ઓળખાયા ,તેઓશ્રી એક ખેડૂત-પાટીદાર પુત્ર તરીકે જન્મ લેનાર ચાચાપરના વતની હતા.પોતાની મહેનત ,પરિશ્રમ ,આગવી સુઝ અને કુદરતની કૃપાથી એક મહામાનવ બન્યા .એટલું જ નહીં પરંતુ મોરબી થી માંડી પાટીદાર જ્ઞાતિ થી આગળ વધી ગુજરાત અને વિશ્વકક્ષાએ પહોંચી શકાય એવા એક વિશિષ્ટ માનવી બન્યા .એમની આ યાત્રા સૌને પ્રેરણાદાયક છે.
ખેડૂત પુત્ર હોવા છતાં અભ્યાસ કરીને મોરબીની વીસી ટેકનિકલ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે કામ કર્યું .પોતાના વિષય વિજ્ઞાન માં ઓતપ્રોત રહેતા.અમે જ્યારે 1976 થી 78 ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહ માં ત્યાં વીસી ટેક હાઇસ્કુલ માં ભણતા ત્યારે ફિઝિક્સના વિષયમાં ખૂબ રસ લઈને બધાને વિજ્ઞાન પ્રેમી બનાવ્યા .કોઇ પણ સમયે ચા પીતા કેન્ટીન માં પણ વિજ્ઞાનના સવાલો સમજાવવા બેસી જતા. વિદ્યાર્થી માટે હરહંમેશ તૈયાર રહેતા જેનો અન્ય શિક્ષકોએ વારસો જાળવેલ.સાથે સાથે સ્કૂલનું એનસીસીનું કામ પણ સંભાળતા હતા .એક આદર્શ અનુશાસન માટે મન બનાવીને કામ કરવાવાળા તેઓ સ્વદેશીના આગ્રહી હતા.
પોતાના શિક્ષક તરીકેની વ્યવસાય માંથી નિવૃત્તિ પછી તેમણે શરૂ કરેલી ઉદ્યોગની પ્રવૃત્તિ આગળ વધી.મોરબીનો જૂનો અને જાણીતો ઘડિયાળ ઉદ્યોગમાં વિશેષ કરવાના કામમાં લાગી ગયા. નાના પાયે થયેલું કાર્ય ધીરે ધીરે એમની આગવી સુઝ અને અનુસાશન યુકત કાર્ય ,પરિવાર જનો અને અન્ય સમકક્ષ મિત્રોનો સહયોગ લઇ દિવાલ ઘડિયાળમાં એક નામ બન્યું . “અજંતા “ એક બ્રાન્ડ બની .તેઓ પોતાના કુટુંબ ,ગામ પરિવાર અને જ્ઞાતિથી ઉપર ઉઠીને સમાજ માટે ઘણા બધા એવા કામ કર્યા કે જે પ્રેરણા લઇ યાદ કરવા જેવા છે.
તેઓ શ્રી એ પોતાના ઘડિયાળ ના કારખાનામાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારની દીકરીઓને બહેનોને કામ કરવા માટે પ્રેરણા આપી ,બહેનોમાં રહેલી સ્કિલને ઝીણવટભર્યા કામની આવડતને એમણે ઉદ્યોગ સાથે જોડી .એટલું જ નહીં પરંતુ ગરીબ પરિવાર અને બહેનોને આર્થિક કમાણી સાથે પોતાના ભાવિ જીવનની તૈયારી કરવામાં ખૂબ ઉપયોગી થયા .જીવનના અનેક પ્રસંગોએ પોતાના ઉદ્યોગ તરફથી એમને અપાતી ભેટો દીકરીઓનું ભાવિ જીવન સ્વાવલંબી થવા પ્રેરક રહયા.ડ્રાઇવીંગથી માંડીને સુપરવાઇઝર સુધીના કામો માટે બહેનોને તૈયાર કર સ્ત્રી સશક્તિકરણ ની મશાલ જગાડી.
મોરબીમાં જ્યારે સ્વાસ્થ્ય માટે એક કોઈ એક ચેરીટેબલ ટ્રસ્ટની જરૂર હતી .મોરબીના સદભાવના પરિવાર દ્વારા બનાવવામાં આવેલી ટ્રસ્ટના આ કાર્યમાં અમારો પતિ પત્નીનો 1988 માં પ્રવેશ થયો .નાની હોસ્પિટલની કામગીરી અને ટ્રસ્ટના કામને વધારવા માટે નવા ટ્રસ્ટીઓમાં ઓ.આર પટેલ જોડાયા .સરકારની મદદ, મ્યુનિસિપાલિટી દ્વારા અપાયેલ જમીન , તેમના દાન અને વિઝનના કારણે હાલમાં સ્થિત મોરબીની સદભાવના હોસ્પિટલ નું નિર્માણ ૧૯૯૨ માં થયુ .આ કામના શરુઆતના પાંચ વર્ષ અમે જોડાયેલ રહ્યા.આજે આ હોસ્પીટલ મોરબીની આસપાસના અનેક લોકોના સ્વાસ્થ્ય માટે કામ કરી રહી છે . તેને વિકસાવવા માટે પોતાના દ્વારા આર્થિક અને પોતાના મિત્રો સહયોગી નો સાથ લઇને કામ ઉભુ કર્યુ હતુ. પૂજય ઓ આર પટેલ સાહેબને આપણે યાદ કરવા જોઈએ સ્વાસ્થ્યનું આ કામ સ્વથી ઉપર ઉઠી સમાજ માટે સૌને ઉપયોગી થાય તેવી સામાજીક સંસ્થા આપી.
મોરબીની આસપાસના ગ્રામ્ય વિસ્તારના પરિવારોમાંથી બહેનોના શિક્ષણ માટેની એક ખૂબ જરૂરિયાત લોકોએ અનુભવી .મોરબીના જયરાજભાઇ પટેલ અને અનેક એવા શિક્ષણના કામને વરેલા મહાનુભાવો સાથે મોરબીમાં કન્યા છાત્રાલય અને સાથેના વિદ્યાલય અને કોલેજ જેવી વિદ્યામંદિર ઉભા કર્યા. આજે સમાજની જુદી જુદી બહેનો પોતે અભ્યાસ કરીને પગભર થઈ રહી છે અને વિવિધ ક્ષેત્રોની અંદર ખૂબ આગળ પડતા સ્થાન માં રહી અગ્રેસર ભાગ ભજવ્યો છે એ પણ એમના એક ચિંતન અને દૃષ્ટિને આભારી છે.
પોતે હંમેશા સ્વદેશી વસ્તુઓનો આગ્રહ કરતાં .તેમને એક બીડી નું વ્યસન હતુ, પરંતુ એ બીડી પણ સ્વદેશી રાખતા. પર્યાવરણની રક્ષા માટે અને જળ સંધારણ માટે પાણી બચાવવુ જોઈએ એ માટે જ મોરબી અને આસપાસના સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં ચેકડેમ દ્વારી પાણીને રોકવા માટેના કામમાં તેઓ ખૂબ આગળ પડતા રહ્યા .એમને બનાવેલા ઓરપેટ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સરકારની સહાયથી ઘણા ચેકડેમ બનાવી સંગ્રહિત પાણી જે આજુબાજુની ખેતીમાં ખૂબ જ ઉપયોગી થાય તે કામના રાહબર રહ્યા.
તેઓ સામાજિક સંસ્થાઓમાં પોતાને કિંમતી સમય આપતા હતા .રાષ્ટ્રની ચિંતા હંમેશા તેમની વાતોમાં જોવા મળતી.એમનુ રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના અને અન્ય રાષ્ટ્રીય ધાર્મિક કામોમાં એમનુ યોગદાન રહ્યું, સંઘના વિજયાદશમી ઉત્સવમાં અતિથિ તરીકે આવવુ અને પૂ ગુરુજી જન્મ શતાબ્દી વર્ષના કાર્યક્રમની પ્રાંતની સ્વાગત સમિતિમાં જોડાવું આમ એક રાષ્ટ્ર પ્રેમની અભિવ્યક્તિ અનેક સમયે જોવા મળેલ .તેઓ સંઘના કાર્યની હંમેશા પૂછપરછ કરતા રહેતા .મારી સંઘમાં રહેલી જવાબદારીની તેઓ ચિંતા કરતા .સદભાવના હોસ્પિટલની મારી સર્જનની જવાબદારી દરમિયાન 1992 ની કાર સેવા માટે અયોધ્યા જવાનું થયું ત્યારે એમની પાસે રજા લેવા ગયા .તેમણે પિતા તુલ્ય ચિંતા કરી અને સુરક્ષા બાબતની સૂચનાઓ આપી અને રજા આપી હતી. ઘરના માતા-પિતાને મળવા જવાનું સમય નહોતો મળી શક્યો પરંતુ ઓ આર પટેલ સાહેબની વાતો એ પરિવારના વડીલ સમાન હતી.
તેમની ઉંમરના ૭૫ વર્ષ નિમિતે તેમની હાજરીમાં ચાંચાપર ગામમા ૨૦૦૦ ની સાલમાં આરોગ્ય મેળા સાથે તેમના વજન જેટલું રક્તદાન કરવાનો નાનો પ્રયત્ન મોરબી IMA ડોકટરો કર્યો હતો.
સાહેબના રાષ્ટ્રીય અને ધર્મના સંસ્કારો તેમના પરિવારજનોમાં ઉતર્યા છે . અનેક ધાર્મિક ,સામાજિક અને રાષ્ટ્રીય કાર્યોની અંદર એમનો દાનનો પ્રવાહ અને સમયની મદદ મળતી રહે છે . ઓ. આર. પટેલની પુણ્યતિથિ નિમિત્તે અહીંના સ્થાનિક બધા કાર્યકર્તાઓ એ એક મેગા બ્લડ ડોનેશન કેમ્પ કર્યો જે સંખ્યાની દૃષ્ટિએ દુનિયાનો રેકોર્ડ બન્યો .આ સમાજની એમના પ્રત્યેની લાગણી દર્શાવે છે .આવા અનેક કામો દ્વારા એમનો પરિવાર અને સમાજ તેમને યાદ કરતો રહે એ જ અભ્યર્થના.