🌹🙏
ડો.પ્રમોદભાઈ જોશી ની યાદો:🙏🌹
તેઓ વાંકાનેર ના વતની, શિક્ષિત જ્ઞાનવાન કુટુંબમાં જન્મેલ પરંતુ ભારતીય ગ્રામ્ય સંસ્કૃતિના ચાહક બ્રાહ્મણ પરિવારના સદસ્ય. પિતાજીથી લઈને બધા ભાઈઓ કોઈને કોઈ પ્રશાસનની સેવામાં રહ્યા. ઘરમાં શિક્ષણનું વાતાવરણ અને પ્રમોદભાઈ પહેલેથી હોંશિયાર અને અવ્વલ માર્ક લાવનાર. તાલુકાશાળા માં ભણીને અમરસિંહજી હાઈસ્કુલ માં ધોરણ ૧૧ જૂની SSC પરીક્ષા પાસ કરી. તેઓ અને મારા મોટાભાઈ નારણભાઇ ની જોડી. હંમેશા પહેલો બીજો નંબર આવે, તેમના ખાસ ત્રીજા મિત્ર ગિરિશભાઈ મહેતા. તેઓ ત્રણેય બીજ ગણિત વિજ્ઞાન ના વિષય રાખેલ પણ સ્પેશીયલ અંકગણિત ખાસ વિષય રાખેલ. ડોડીયા સાહેબ તેમના ગણિત ગુરુ. તેઓ ઓટલા પર બેસીને જમીન પર દાખલા ગણે ચર્ચા કરે. ટાંચા સાધનો વડે ભણ્યા.
શરીર સ્વાસ્થ્ય પહેલીથી સારું. SSC માં સારા માર્ક આવતા તેમણે મોરબી સાયન્સ કોલેજ માં એડમિશન પ્રિ સાયન્સ માં લીધું. મારા મોટાભાઈ થોડા મોડેથી ત્યાં ગયા. બંને સાથે ત્યાં ભણતા. વર્ષના અંતે મોટાભાઈ પરીક્ષાના ગુણના આધારે એન્જિનિયરિંગ મોરબી કોલેજ માં સિવિલ માં એડમિશન લીધું. પ્રમોદભાઈ ને મેડિકલ માં જવાની ઇચ્છા એટલે વધુ પ્રયત્ને સારા માર્ક લાવી જામનગર એમ પી શાહ મેડિકલ કોલેજ માં ગયા. ત્યાંથી MBBS પૂર્ણ કર્યું.
તેઓના જામનગર મેડિકલ કોલેજના નિવાસ દરમિયાન ત્રણેક વખત મારે જવાનું થયું હતું .ત્યારે એમને મળવાનું ,એમની મેસમાં જમવાનું પણ. એકવાર બાપુજીને પેટની તકલીફ માટે ત્યાં લઈ ગયા હતા તો દરેક ડિપાર્ટમેન્ટમાં સાથે રહીને સંપૂર્ણ દિવસ સાથે રહી બધું ચેક અપ કરવામાં તેમણે પરિવારના સભ્ય તરીકે ખૂબ જ તસ્તી લીધી હતી.
મેડિકલ કોલેજમાંથી ભણીને બહાર નીકળ્યા પછી સરકારી નોકરીમાં જોડાયા. એમની નોકરી કચ્છમાં દયાપર ગામમાં થઈ .ત્યાંના પીએચસી ની અંદર તેઓ ઘણા વર્ષો સુધી રહ્યા. કચ્છના લોકોને સાથે તેઓ હળી મળી ગયા. ત્યાંની આબોહવા અને સંસ્કૃતિને પણ એમણે ગમતી હતી.તેમના પરિવારના સદસ્યો પણ કચ્છને અનુકૂળ થયા. ઘણા વર્ષો પછી ત્યાંથી વતન વાંકાનેરમાં આવવાની ઈચ્છા થઈ અને વાંકાનેર આવ્યા .પોતાની નિવૃત્તિની વય સુધી વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે કામ કર્યું. પોતાના દીકરા દીકરીને પણ ખૂબ જ ઉચ્ચ ભણતર અપાવ્યુ.તેમનો દીકરો પણ પિતાજીની રાહે ડોક્ટર બની અને આજે રિલાયન્સમાં હોસ્પિટલનું કામ કરી રહ્યો છે.
તેઓ જ્યારે મળે ત્યારે તેમનું ચહેરા ઉપર હંમેશા હાસ્ય હોય. જૂની વાતોના સ્મરણ આપે .અને નાના નાના પરંતુ ઉપયોગી સૂચનો પણ કરે. મારું મોરબી આવવાનું થયું તેથી અવારનવાર વાંકાનેર મળવાનું થતું. જ્યારે મળે ત્યારે મોટાભાઈ ને તેમના પરિવારના ખબર અંતર પૂછતા રહે .અમારા પાડોશમાં ઘણા વર્ષ સુધી રહ્યા હોવાથી તેમના પરિવાર સાથે અમારો પરિવારનો ઘરબો રહ્યો.તેમના મોટાભાઈ દિનેશભાઈ અમારી વાંકાનેર ની હાઈસ્કૂલમાં અમારા જેવા અનેક વિદ્યાર્થીઓને એમને ભણાવેલા. પ્રમોદભાઈ પાન ખાવાના શોખીન .નાનુભાઈ પાનવાળા ની દુકાને જ્યાં મારા બાપુજી પણ પાન ખાવા જતા ત્યાં જાય ,તેમને ત્યાં દુકાને બેસી મેડિકલની વાતો કરે.
તેઓએ અનેક લોકો સાથે સામાજિક સંબંધો ઠેઠ સુધી જાળવી રાખ્યા હતા .તેમની સાથેના કોઈ મિત્રો કે પાડોશીઓને કદી ડોક્ટર હોવાથી ખૂબ દૂર રહે છે એવું કદી ન લાગે .એમની આ સામાજિકતા એમને ખૂબ મદદરૂપ થયી. પરંતુ કહેવાય છે કે જે વ્યક્તિ અનેક લોકોના રોગ દૂર કરવાની મહેનત કરતો હોય છે તેને પણ કુદરત ક્યારેક પરીક્ષા રૂપી દર્દ મોકલે છે. એમણે આપણી સામેથી વિદાય લીધી .
ડોક્ટર પ્રમોદભાઈ શરીરરૂપે સાથે નથી .પરંતુ તેમના વિચારો ,તેમનું ચિંતન ,તેમનું કામ કરવાની પદ્ધતિ ,તેમને બધા સાથે નિભાવેલા સંબંધો ને કારણે તેઓ બધાના મન મંદિર અને દિલમાં હંમેશા એક અનેરુ સ્થાન બનાવી રહેશે. ડોક્ટર સમાજમાં રહીને એક ફેમિલી ડોક્ટર તરીકે કેવી રીતે આદર્શ બની શકે તેવું જીવન તેઓ જીવી ગયા .અનેક લોકો માટે એક
પ્રેરણા રૂપ દીવાદાંડી બનતા ગયા. આવા ડોક્ટર પ્રમોદભાઈ ના સંસ્કારોને વાગોળીએ તેટલા ઓછા .તેમના આત્માને પ્રભુ શાંતિ તો અર્પે પરંતુ આપણે ઈચ્છીએ કે તેઓ ફરી એમનો જન્મ આવા જ માનવસેવાના કોઈ કામો માટે થાય એવી પ્રભુને પ્રાર્થના.

No comments:
Post a Comment