Friday, July 28, 2023

વૃક્ષો આપણા મિત્રો


 વૃક્ષો આપણા મિત્રો

_____________

કવિએ કહ્યું છે કે

" સરોવર તરુવર સંતજન ઔર ચોથા વરસે મેહ

પરમાર્થ ને કારણે ચારુ ધરીયા દેહ"

આવા વૃક્ષો આપણા મિત્ર છે ,કારણ કે અંગ્રેજીમાં કહ્યું છે કે  Frined in need is friend  indeed . વૃક્ષો મિત્રોની જેમ દુઃખમાં મદદ કરવામાં આગળ અને સુખમાં વળતર લેવામાં પાછળ રહે છે.

*સૌથી અગત્યનુ મિત્ર તરીકેનું વૃક્ષોનું કામ જીવનદાતા તરીકેનું છે .આપણા ઉચ્છવાસ દ્વારા ઉત્પન્ન થતા અંગારવાયું એટલે કે કાર્બન ડાયોક્સાઇડ ને વાતાવરણમાંથી દૂર કરી આપણને પ્રાણ વાયુ એટલે કે ઓક્સિજન આપે છે. પર્યાવરણની સુરક્ષા કરતો આવો મિત્ર બીજે ક્યાં મળે?

* બાષ્પોત્સર્જન દ્વારા વાતાવરણમાં શિતળતા લાવે છે. એટલું જ નહીં વરસાદ અને મેઘરાજાને પણ ખેંચી લાવે છે .ધરતી માતાને તરબોળ કરે છે .એટલે જ આફ્રિકાના જંગલોમાં અને આસામ વગેરે ચેરાપુંજીના વિસ્તારોમાં વધારે વરસાદ પડે છે.

*આપણા જીવનને ટકાવવા માટે ખોરાક ,ફળ, ફૂલ, બીજ તથા મૂળ અનેક પ્રકારની વસ્તુઓ વૃક્ષો જ આપે છે. શાકાહારી માટે તો આ જીવનદાતા મિત્ર છે. સાથે સાથે જુદી જુદી દવા ઔષધીઓ માટે પણ વૃક્ષો આપણને ખૂબ જ ઉપયોગી છે.

*વૃક્ષો દ્વારા મળતું લાકડું રહેઠાણ ફર્નિચર બળતણ જેવી અનેક વસ્તુઓ બનાવવા માટે ઉપયોગી છે .ગુંદર અને કાગળ પણ વૃક્ષમાંથી જ બને છે ને!

*વૃક્ષો જમીનનું ધોવાણ અટકાવે છે . જમીનને રેગિસ્તાન બનતા અટકાવે છે .અને જળ ચક્ર માં મદદ કરે છે. પાણીને જમીનમાં ઉતારી જમીનનો જળસ્તર  ઊંચું લાવવામાં મદદ કરે છે.

       ટીવી જોતા અને વિડીયો ગેમ સામે બેસી રહેતા બાળકોને વૃક્ષો કહે છે" ચાલો મારી સાથે રમવા આવો "તેની ડાળ પરના હીંચકા ,આમલી પીપળીની રમતો અને છાયો બાળકો માટે તો સ્વર્ગ સમાન છે. યુવાનોના દિલોની વાતો પણ વૃક્ષો સાંભળે છે ,તો ઘરડાના વિસામાની વાતો પણ વૃક્ષો સાંભળે છે.

માણસનું રહેઠાણ બનાવવામાં પશુ પંખીને રહેઠાણ પૂરું પાડવામાં વૃક્ષો ખૂબ જ ઉપયોગી છે .વૃક્ષો ન હોય તો કોયલનો ટહુકાર ક્યાંથી સંભળાય! આપણે પણ બધા વન ભોજન કે અણગો કરવા માટે ક્યાં જઈએ છે ? વૃક્ષો પાસે જ જઈએ છીએ.અરે આપણી અંતિમ ક્રિયા માટે પણ લાકડા વૃક્ષો જ આપે છે.

        આવા વૃક્ષો આપણા મિત્રો છે તેથી આપણા ધર્મમાં વૃક્ષોનું પૂજન થાય છે. પિતૃ માટે પીપળો, શંકર માટે બિલિપત્ર અને બહેનો તો વટ પૂજા વડ ની પૂજા કરે છે .કૃષ્ણએ ગીતામાં કહ્યું છે હું વૃક્ષોમાં પીપળો છું .કદમની ડાળો બોલે છે "શ્રીકૃષ્ણ શરણમ મમ "અને વિજ્ઞાનને  ધર્મ સાથે જોડે છે વૃક્ષો.

         આવા વૃક્ષ મિત્રોને બચાવવાની આપણી પવિત્ર ફરજ છે. વધુ વૃક્ષો વાવીએ, વૃક્ષોને કપાતાં અટકાવીએ .બહુગુણાજીએ ચિપકો આંદોલન દ્વારા વૃક્ષોને બચાવવા માટેનો ખૂબ કામ કર્યું .રાજસ્થાનના જોધપુર પાસે ખીજડી ગામમાં ખીજડાના વૃક્ષને બતાવવા માટે અમૃતાદેવી અને તેની બહેનપણીઓએ વૃક્ષને કપાતાં અટકાવવા તેને વીટળાઈ અને પોતાનો જીવ આપી દીધો .ત્યાંના રાજાએ તેમને માન આપી વૃક્ષ કાપવાનું બંધ કરાવ્યું . બિશનોઈ જ્ઞાતિ આજે પણ વૃક્ષોમાં દેવ ગણીને પૂજા કરે છે. આપણા જન્મદિવસે આપણે એક નવું વૃક્ષ વાવી  ન શકીએ? પૂજ્ય પાંડુરંગ દાદા ની "છોડમાં રણછોડની વાતને યાદ રાખીએ" વૃક્ષોના વન બનાવી  નૈમિષારણ્ય બનાવીએ. આમ નહિ કરીએ તો  ઓક્સિજનના પડીકા વેચાતા લેવા પડશે.

 વૃક્ષો વગરનું જીવન અધૂરું છે .વૃક્ષોને મિત્રો જીવન સંગાથી છે, જીવનદાન આપનાર દેવતાથી કમ નથી .આવા વૃક્ષોને ફક્ત વંદન નહીં, ઉછેર કરીને વન, ઉપવન અને તપોવન બનાવીએ ,એ જ સાચી કુદરત સાથેની સહજીવનની તપસ્યા છે.

No comments:

Post a Comment