Saturday, July 29, 2023

જયા માસી અને સવજી માસા

જયા માસી અને સવજી માસા ને અમે મોટા માસી અને મોટા માસા તરીકે ઓળખતા .જયા માસી એટલે મારી બા ચંપાબેન ના ભાઈ બહેનોમાં સૌથી મોટા બેન .અમે સમજણા થયા ત્યારથી વડીલોમાં આદર્શ ગણી શકાય એવા અનેક વ્યક્તિઓમાં અમારા દાદીમાં એટલે કે રંભાબેન અને મોસાળ પક્ષમાં આ માસા યાદ આવે .તેઓનું એક શબ્દ ચિત્ર વર્ષાભાભીએ દોર્યું છે .તેમાં અનેક રંગો પૂરી શકાય એવા છે .માસા એટલે બાળકોના ખાસ મિત્ર .જ્યાં જાય ત્યારે તેમના સફેદ ઝભ્ભાના મોટા ખિસ્સામાં સિંગ ચણા ચોકલેટ હોય જ .બાળકોને બોલાવે અને એમાંથી ભાગ આપે .એટલે અમે નાના હતા ત્યારે માસા આવે એટલે ભાગ આવે એવી એક સુંદર ચિત્ર અમારા મનમાં રહેલુ .વડીલો માટે સોપારી અને સૂડી પણ એમના ગજવામાં મળી આવે .વાંકાનેરમાં જૂની વીજળીની કંપનીનો એક કારભાર તેમણે ખૂબ વર્ષો સુધી સંભાળ્યો. જેને અમે સાલે ભાઈની કંપની કહેતા. જેના દ્વારા જીઇબી શરૂ થયા પહેલા વાંકાનેરમાં રસ્તાની શેરી ની લાઈટો થતી અને તેના જનરેટરને ચલાવવું સંભાળવું એવું અગત્યનો કામ તેઓ સંભાળે .એમના વાંકાનેર ના નિવાસ દરમિયાન જ મારી બા અને બાપુજી ની સગાઈ થઈ હતી એટલે અમારા પરિવારને  તેમનો એક મહત્તમ ફાળો હતો .વાંકાનેર થી રાજકોટ ગયા પછી પણ વાંકાનેર નો એમનો નાતો કાયમ રહેતો.વાંકાનેર આવવું અને જડેશ્વર મંદિરે શંકર ભગવાનના દર્શન કરવા જવું. શ્રાવણ મહિનાના બધા સોમવારે આવવાનો પ્રયત્ન કરતા .જડેશ્વર મહાદેવના ત્યાંથી પ્રસાદ લેવો અને વળતી વખતે વાંકાનેર ના મિત્ર લુહાર ના કારખાને મળવું ઘણીવાર એમના પૂરી શાક ખાવા એ એમનો ક્રમ રહ્યો. તેઓની પાસે એક નાની કાર હતી તેને મેં માણકી ગાડી કહેતા .તેમાં બેસવું એક લાહવો હતો. એ સમયમાં એ ગાડી લઈને આવે અને મારી શેરીમાં એ ગાડી ઉભી રહે એટલે અમારી છાતી ગજગજ ફુલી જતી કે અમારી ઘરે કોઈ એક કારવાલા મહેમાન આવ્યા છે. નાના સાથે નાની વાતો મોટા સાથે મોટી વાતો કરે.મને યાદ છે એ પ્રમાણે તેમણે કદાચ આફ્રિકામાં પણ થોડો સમય કામ કરવા માટે ગયા હતા. બહુ જ વ્યવહારૂ, સ્વભાવના શાંત, નિર્મળ છતાં સ્પષ્ટ વક્તા . ભાભીએ વર્ણન કર્યા મુજબ તેમણે વિકસાવેલી વેવાઈની દ્રાક્ષની વાડીનો લાભ અમે પણ લીધેલો .મારી અને પૂર્ણિમાની સગાઈ થઈ ત્યારે પ્રથમ વખત તેમના ઘરે પગે લાગવા ગયા ત્યારે હસતા હસતા પૂછ્યું હતું સાથે ભણતી છોકરી છે કે ?મે કહેલ નહીં ,એ તો પારિવારિક ગોઠવણથી જ અમારી સગાઈ થઈ છે .એમના પરિવારના બધા જ પુત્ર પુત્રીઓના સંસ્કાર ,સ્વભાવ અને શિક્ષણ માટે માસાને યશ આપવો પડે. પરંતુ  તેમના કુટુંબના ઉછેર પાછળ ધીમા ,મીઠા અને અંગ્રેજીમાં કહેવાય કે સોફ્ટ સ્પોકન માસી નોંખુબ મોટો ભાગ છે.તેઓ એટલા સ્વભાવે મીઠા કે ડાયાબિટીસને પણ ત્યાં રહેવાની ઈચ્છા થઈ ગઈ હતી. આજે માસા માસીના ઘરે થયેલ અને  ભાગવત સપ્તાહ કે જેમાં સાત દિવસ રહેવાનું નાનપણમાં મને લાભ મળ્યો હતો યાદ આવે.તેમનું મિલપરા નું ઘર , સિંદુરિયાની ખાઈ પાછળ ડિલક્ષ ટોકીઝ પાસે નું ઘર અને પછી પુત્રો એ બનાવેલા પોત પોતાના મકાન માં પણ મારે જવાનું મળવાનું અનેક વખત થાય ત્યારે આ બધી યાદો સ્મરણ માં આવે. આજે માસા માસીની આ યાદ વર્ષા ભાભી એ યાદ કરાવી આપી અને મને થયુ કે હું પણ થોડુ કહી દઉં .આ એમનો સ્વભાવ એમના પરિવારમાં ઉતર્યો છે એમ કહું તો અતિશયોક્તિ નથી .જય શ્રી કૃષ્ણ 

 

No comments:

Post a Comment