સ્વર્ગસ્થ લલિતભાઈ મહેતા એટલે વાંકાનેર ના પનોતા પુત્ર. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ખૂબ જૂના અને વરિષ્ઠ સ્વયંસેવક,જેમણે શિક્ષણ અને સ્વાસ્થ્યના વિષયો સાથે વાંકાનેર અને આજુબાજુના પંથકની પ્રજા માટે અનેક સેવાના પ્રકલ્પો ઊભા કર્યા .મોડાસા થી વાંકાનેર આવી વાંકાનેરમાં તાજેતરમાં શરૂ થયેલી કોમર્સ અને આર્ટસ કોલેજમાં સ્વર્ગસ્થ વણીકરજી સાથે રહીને કોલેજનું સુકાન સંભાળ્યું .ત્યારથી માંડીને અત્યાર સુધીની વાંકાનેરમાં શિશુ મંદિર, હાઈસ્કૂલ ,મહિલાઓ માટેની અલગ હાઇસ્કુલ ,વિવિધ વિષયોની કોલેજ, મહિલા કોલેજ જેવી અનેક શૈક્ષણિક સંસ્થાઓ ઉભી કરવામાં તનતોડ મહેનત કરી.
શિક્ષણ જગતમાં સંસ્થાઓ ઉભી કરવી, યોગ્ય પ્રાધ્યાપક અને આચાર્ય શોધવા, નિમણૂક કરવી તેમનું પ્રશિક્ષણ કરવું, વિદ્યાર્થીઓમાં અનુશાસન નિર્માણ કરવું ,પારિવારિક વાતાવરણ ઊભું કરવું અને સ્થાનિક અને વાંકાનેરના વતની દાતાઓને આ બધી સંસ્થાઓ સાથે જોડવા એ એમનો જીવન યજ્ઞ રહ્યો. વિદ્યાર્થીઓને હર હંમેશ મદદ કરવા માટે તૈયાર રહેતા. તેમણે વાવેલા શિક્ષણ સંસ્થાઓના બીજ આજે વટ વૃક્ષ બન્યા છે .શરૂઆતના છોડ ઉછેરમાં પડતી મુશ્કેલી અમે નજરે જોઈ છે અને એવા અનેક કામોમાં સાહેબની સાથે સહભાગી થયા છીએ.
રાજકીય ક્ષેત્રમાં વર્ષોથી વાંકાનેરમાં ચાલતી એક જ પ્રવાહની રાજકીય ગતિવિધિમાં ભારતીય વિચાર વાળા રાજકીય પ્રવૃતિના બીજ વાવવાનો યશભાગ તેમના ભાગે જાય છે .આ વિચારસરણીના છોડ આજે મહાકાય વૃક્ષ બન્યા, જેનો ફળ, ફૂલ ,પત્ર અને પુષ્પ સ્થાનિક પ્રજાજ નહીં પરંતુ અનેક કાર્યકર્તાઓ પણ લયીને આજે સમાજના વિવિધ ક્ષેત્રોમાં આગળ આવ્યા છે .અને અનેક જવાબદારીઓ નિભાવી રહ્યા છે અને નિભાવવા જઈ રહ્યા છે.
સમાજ જીવનમાં આવતી પરીક્ષાઓમાં પોતાના વ્યક્તિગત સુખ દુઃખ ભૂલીને સમાજ કાર્ય માટે, રાષ્ટ્રની યોગ્ય દિશા માટે સહન કરવાનો સમય આવે ત્યારે હિંમતથી આગળ ઊભા રહેવું તેમની પાસેથી શીખવું પડે.લલિતભાઈ પોતે કાળ રાત્રી જેવી ઇમરજન્સી કટોકટી વેળાએ અનેક લોકોની સાથે ઇન્દિરા ગાંધીની સરકારે મિશા અંતર્ગત જેલમાં નાખ્યા ત્યારે આ મિશા યાત્રામાં પણ ગયા. મિશા વાસીઓમાં હિંમત આપવાનું કાર્ય કર્યું. તેમના પત્ની ઇન્દુબેને આવા કપરા સમયમાં પરિવારને હિંમતપૂર્વક જાળવીને બીજાને પણ હિંમત આપી. રાષ્ટ્રહિત ખાતર વ્યક્તિગત દુઃખોને ભૂલી જવાની માનસિકતા આ પરિવારે અન્યને પણ આપી.
સંઘના સ્વયંસેવક અને કાર્યકર્તા હોવાના નાતે તેમણે સંઘ અને વિવિધ ક્ષેત્રમાં અનેક જવાબદારીઓ નિભાવી.મારી સંઘની શાખામાં જવાનું થયું ત્યારે જીનપરા સાયમ શાખામાં હું બાલ ગણ શિક્ષક હતો. ત્યારે તેમના ભાગે વિસ્તાર કાર્યવાની જવાબદારીહતી . અમને અમારી શાખામાં એમના પ્રવાસનો લાભ મળતો એમને પ્રણામ કરવા જવાના મને અનેક વાર લાભ મળેલ. એ બાલ સ્વયંસેવક માંથી આજે હું જ્યારે ક્ષેત્ર સંઘચાલકના દાયિત્વ સાથે કામ કરૂ છું ત્યારે મને જ્યારે મળે ત્યારે એક જૂના શિશુ કે બાલ સ્વયંસેવક નહીં પરંતુ એક માનનીય સંઘચાલકની સાથેની વાત કરવાનો એમનો સ્વભાવ એ એક તેમની આગવી પ્રેરણા સ્પદ પદ્ધતિ બધાને માર્ગદર્શક છે. સંઘની શાખાનો નાનો પણ કાર્યક્રમ હોય તો એમાં ઉપસ્થિત રહેવુ, વાંકાનેરમાં વાર્ષિક સમૂહ ભોજનમાં એમની ઉપસ્થિતિ હંમેશા હોય. જેમ સંઘની શાખામાં દૈનંદિન શાખાનો આગ્રહ તેમ તેમણે જીવનમાં પોતાની સાથે સંકળાયેલ બધી જ સંસ્થાઓમાં, શરીર કામ આપે કે ના આપે હાજર રહેવાની એક પદ્ધતિ નિર્માણ કરેલી .રાજકોટના વીવીપી એન્જિનિયરિંગ કોલેજના સિલ્વર જ્યુબિલી ફંક્શન માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ માનનીય દત્તાત્રેય હોસબોલેને મળવા માટે એમનો સમય લેવા માટે પોતે શરીર કામ ન આપે તો પણ ગાંધીધામ સુધી વ્યક્તિગત પહોંચ્યા અને પોતાનો વિષયની વાત કરેલી એનો હું સાક્ષી છું.
આજના સમયમાં રાજકીય ક્ષેત્રમાં કામ કરતા અનેક લોકોએ સ્વર્ગસ્થ લલિતભાઈ પાસેથી અનેક વાતો શીખવાની છે. પોતાના વિચાર વિરુદ્ધના પક્ષમાં કામ કરતા લોકો સાથે પણ મિત્ર જેવો ઘરોબો રાખવો ,એટલું જ નહીં પરંતુ સમાજ જીવનના કામોમાં બધાને સાથે લઈને ચાલવું એ એમના જીવનનો મંત્ર રહ્યો .રાજ્ય સભાના સક્રિય સાંસદ રહીને બાજપાઈજીના સમયમાં કામ કર્યું. ત્યારે અનેક લાભો પોતાના મતવિસ્તારના અને સમાજ માટેના તેમને લાવી આપ્યા. સરકાર ગમે તે પક્ષની હોય પરંતુ નિયમ , કાનુન ,કાયદા અને પ્રજાહિત માટેની વિગતોને શોધવી, તેને લોકો સુધી પહોંચાડવા માટેનો ખંતપૂર્વક પ્રયત્ન કરવો અને એમાં સફળ થવું એ એમનો જીવન આદર્શ રહયો .
વાંકાનેર ની આસપાસ શિક્ષણ સ્વાસ્થ્ય અને જીવ દયા ની અનેક સંસ્થાઓને નિર્માણ કરવામાં વાંકાનેરના વતની એવા અનેક દાતાઓ ને શોધવાનું કામ લલીતભાઈએ કર્યું. સમાજ જીવનમાં ભામાશા અને કર્ણ અનેક હોય છે પરંતુ એમની લાગણીને જગાડવી ,પોતાના વતન સાથે જોડવા પ્રોત્સાહન આપવું અને તેમને આપેલા દાન બરાબર સમાજમાં ઊગી નીકળે એ માટેનો એમનો આદર્શ પ્રયત્ન રહ્યો .શિક્ષણ અને સ્વાસ્થ્ય એમના મનગમતા વિષય હતા. મુંબઈમાં એક ચાલીમાં રહેતા જૈન પરિવારને મળવાનું થયું ત્યારે એમની સ્થિતિ જોતા એમ ન કહી શકાય કે એમણે વાંકાનેર માટે દાન કર્યું હશે .પરંતુ તેમની અંગત વાતોમાંથી જાણવા મળ્યું કે લલીતભાઈ ની વાતોથી પ્રેરણા પામીને પોતાનાથી શકય એટલી નાની પણ મદદ વાંકાનેર માટે કરી હતી.
પોતે એક સારા લેખક પણ ખરા .અવારનવાર રાષ્ટ્ર ,પ્રજા, દેશભક્તિ અને આર્થિક વિષયોને લઈને લેખો પણ લખતા ,સંઘ વિચારના સાધના જેવા સાપ્તાહિકોમાં તેની અનેક વાર આવી વિગતો છપાતી. નાની નાની વાતોમાં પણ રસ લઈને બધાને માર્ગદર્શન આપતા. મને યાદ આવે છે 1978 નું વર્ષ આંતરરાષ્ટ્રીય બાલ વર્ષ હતું એ દરમિયાન વાંકાનેરની તાલુકા શાળા નંબર એકમાં બાળકોના વિષયને લગતું એક નાનું એવું પ્રદર્શન તૈયાર કરવાની જવાબદારી અમને મળેલ ત્યારે મારી સાથે લલીતભાઈના દીકરી બેના અને એક આયુર્વેદિક ડોક્ટર પનારા ની પુત્રી પણ સાથે જોડાઈ હતી .નાનું પણ આકર્ષક પ્રદર્શન બનાવવામાં એમનું માર્ગદર્શન મળ્યું હતું. વિવિધ ક્ષેત્રોમાં લોકોને જોડવા અને એની સાર સંભાળ રાખવી એમનો ક્રમ હતો.મારા કોલેજના અભ્યાસ દરમ્યાન વિદ્યાર્થી પરિષદના અધિવેશનમાં જવા માટે વાંકાનેરના ટીમ મોકલી ત્યારે બધી સાર સંભાળ એમને રાખી હતી .આમ ફક્ત રાજકીય ક્ષેત્રને જ નહિ પરંતુ સમાજ જીવનમાં કામ કરતા બધા જ સંઘ અને વિવિધ ક્ષેત્ર અને સામાજિક સંસ્થાઓને એમણે એક હુંફ પુરી પાડી હતી.
જીવ દયા નો એમનો અભિગમ અનેક જૈન અને જૈનેતર સંસ્થાઓને. સામાજિક .પશુ,પક્ષી અને સેવાના કામોમાં જોડયા હતા. જૈન ધર્મના સિદ્ધાંતો અને સંઘના એક સંનિષ્ઠ સ્વયંસેવકના નાતે હિન્દુત્વના સિદ્ધાંતોનો સાથે સહયોગ કરીને અનેક લોકોને એમણે રાષ્ટ્ર કાર્યમાં જોડ્યા હતા.
મારા વ્યક્તિગત જીવનના સંભારણાઓને યાદ કરું તો મારા લગ્ન 22 મે 1987 ની સાલમાં મુંબઈના પારલામાં વિશ્વકર્મા બાગમાં થયેલા .એ સમયે ફક્ત 20 વ્યક્તિઓ જાનમાં અમે ગયા હતા .પરંતુ માન. લલીતભાઈ પણ પોતાનો અન્ય કામ જોડીને મુંબઈ મારા લગ્નમાં ઉપસ્થિત રહ્યા હતા. મોરબીમાં સદભાવના હોસ્પિટલમાં આવ્યા બાદ મારી પોતાની વ્યક્તિગત હોસ્પિટલ જ્યારે ચાલુ કરી ત્યારે ચાર એપ્રિલ 1993 ના રોજ અમારી ભાડેશિયા હોસ્પિટલના ઉદ્ઘાટનમાં મુખ્ય વક્તા તરીકે હાજર રહ્યા .એ દિવસ મહાવીર જયંતિ નો દિવસ હોવા છતાં પણ તેમણે સમયની અનુકૂળતા ગોઠવી હતી.
પોતાનો શરીર ,ઉંમર થાય અને અન્ય કાર્યકર્તાઓ જ્યારે તૈયાર થઈ જાય ત્યારે અનેક વિષયોમાંથી પોતાની જવાબદારીમાંથી ધીરે ધીરે મુક્તિ મેળવી સહકાર્યકર્તાઓ મુખ્ય કામમાં લાવવા એક સંઘની પદ્ધતિ રહી છે .તેમણે આ માટેનો એક પ્રયત્નની દિશામાં પગલાંઓ ભર્યા હતા. તેમના અન્ય સંસ્થાઓ સાથેના સંસ્મરણો તો અન્ય લોકો કહેશે જ.
મને લાગે છે કે લલીતભાઈ મહેતાની યાદ એટલે એમણે શરૂ કરેલા તૈયાર કરેલા અને સતત ચાલતા કામોને પોષણ આપે એવી કોઈ યાદો નિર્માણ થાય. અત્યારની ચાલતી અને સંસ્થાઓ જેમાં એમનો સિંહ ભાગ રહ્યો છે એવી કોઈ સંસ્થા સાથે એમનું નામ જોડી શકાય અથવા તેમના પસંદગીના વિષયોનું કોઈ એક નવું કાર્ય તેમની યાદ સાથે શરૂ કરી શકાય. વર્ષના નિશ્ચિત દિવસે એમના વિચારોને વાગોડવા કોઈ એક વ્યાખ્યાન માળા પણ બનાવી શકાય .હું આશા રાખું છું કે એમના પરિવારના સભ્યોને એમણે આપેલા આ રાષ્ટ્ર ભક્તિના અને સમાજ સેવાના સંસ્કારો યુક્ત છેજ, એમના સભ્યો પણ આવી આ સંસ્થાઓમાં સક્રિયતા દાખવે .લલિતભાઈ દેહ સ્વરૂપે નથી, પરંતુ વિચાર ચિંતન અને પ્રેરણાના સ્તોત્ર તરીકે હર હંમેશ આપણી વચ્ચે ઉપસ્થિત રહેશેજ . અસ્તુ.
No comments:
Post a Comment