Thursday, November 2, 2023
કિશનદાશજી ઇશ્વરદાસજી નિમાવત
स्व. रंगा हरीजीके स्मरण
Thursday, October 19, 2023
મોરબીના પનોતા પુત્ર ઓ. આર.પટેલ સાહેબને શાબ્દીક શ્રધ્ધાંજલી
મોરબીના પનોતા પુત્ર ઓધવજીભાઈ પટેલ કે જેઓ ઓ.આર. પટેલ ના નામે ઓળખાયા ,તેઓશ્રી એક ખેડૂત-પાટીદાર પુત્ર તરીકે જન્મ લેનાર ચાચાપરના વતની હતા.પોતાની મહેનત ,પરિશ્રમ ,આગવી સુઝ અને કુદરતની કૃપાથી એક મહામાનવ બન્યા .એટલું જ નહીં પરંતુ મોરબી થી માંડી પાટીદાર જ્ઞાતિ થી આગળ વધી ગુજરાત અને વિશ્વકક્ષાએ પહોંચી શકાય એવા એક વિશિષ્ટ માનવી બન્યા .એમની આ યાત્રા સૌને પ્રેરણાદાયક છે.
ખેડૂત પુત્ર હોવા છતાં અભ્યાસ કરીને મોરબીની વીસી ટેકનિકલ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે કામ કર્યું .પોતાના વિષય વિજ્ઞાન માં ઓતપ્રોત રહેતા.અમે જ્યારે 1976 થી 78 ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહ માં ત્યાં વીસી ટેક હાઇસ્કુલ માં ભણતા ત્યારે ફિઝિક્સના વિષયમાં ખૂબ રસ લઈને બધાને વિજ્ઞાન પ્રેમી બનાવ્યા .કોઇ પણ સમયે ચા પીતા કેન્ટીન માં પણ વિજ્ઞાનના સવાલો સમજાવવા બેસી જતા. વિદ્યાર્થી માટે હરહંમેશ તૈયાર રહેતા જેનો અન્ય શિક્ષકોએ વારસો જાળવેલ.સાથે સાથે સ્કૂલનું એનસીસીનું કામ પણ સંભાળતા હતા .એક આદર્શ અનુશાસન માટે મન બનાવીને કામ કરવાવાળા તેઓ સ્વદેશીના આગ્રહી હતા.
પોતાના શિક્ષક તરીકેની વ્યવસાય માંથી નિવૃત્તિ પછી તેમણે શરૂ કરેલી ઉદ્યોગની પ્રવૃત્તિ આગળ વધી.મોરબીનો જૂનો અને જાણીતો ઘડિયાળ ઉદ્યોગમાં વિશેષ કરવાના કામમાં લાગી ગયા. નાના પાયે થયેલું કાર્ય ધીરે ધીરે એમની આગવી સુઝ અને અનુસાશન યુકત કાર્ય ,પરિવાર જનો અને અન્ય સમકક્ષ મિત્રોનો સહયોગ લઇ દિવાલ ઘડિયાળમાં એક નામ બન્યું . “અજંતા “ એક બ્રાન્ડ બની .તેઓ પોતાના કુટુંબ ,ગામ પરિવાર અને જ્ઞાતિથી ઉપર ઉઠીને સમાજ માટે ઘણા બધા એવા કામ કર્યા કે જે પ્રેરણા લઇ યાદ કરવા જેવા છે.
તેઓ શ્રી એ પોતાના ઘડિયાળ ના કારખાનામાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારની દીકરીઓને બહેનોને કામ કરવા માટે પ્રેરણા આપી ,બહેનોમાં રહેલી સ્કિલને ઝીણવટભર્યા કામની આવડતને એમણે ઉદ્યોગ સાથે જોડી .એટલું જ નહીં પરંતુ ગરીબ પરિવાર અને બહેનોને આર્થિક કમાણી સાથે પોતાના ભાવિ જીવનની તૈયારી કરવામાં ખૂબ ઉપયોગી થયા .જીવનના અનેક પ્રસંગોએ પોતાના ઉદ્યોગ તરફથી એમને અપાતી ભેટો દીકરીઓનું ભાવિ જીવન સ્વાવલંબી થવા પ્રેરક રહયા.ડ્રાઇવીંગથી માંડીને સુપરવાઇઝર સુધીના કામો માટે બહેનોને તૈયાર કર સ્ત્રી સશક્તિકરણ ની મશાલ જગાડી.
મોરબીમાં જ્યારે સ્વાસ્થ્ય માટે એક કોઈ એક ચેરીટેબલ ટ્રસ્ટની જરૂર હતી .મોરબીના સદભાવના પરિવાર દ્વારા બનાવવામાં આવેલી ટ્રસ્ટના આ કાર્યમાં અમારો પતિ પત્નીનો 1988 માં પ્રવેશ થયો .નાની હોસ્પિટલની કામગીરી અને ટ્રસ્ટના કામને વધારવા માટે નવા ટ્રસ્ટીઓમાં ઓ.આર પટેલ જોડાયા .સરકારની મદદ, મ્યુનિસિપાલિટી દ્વારા અપાયેલ જમીન , તેમના દાન અને વિઝનના કારણે હાલમાં સ્થિત મોરબીની સદભાવના હોસ્પિટલ નું નિર્માણ ૧૯૯૨ માં થયુ .આ કામના શરુઆતના પાંચ વર્ષ અમે જોડાયેલ રહ્યા.આજે આ હોસ્પીટલ મોરબીની આસપાસના અનેક લોકોના સ્વાસ્થ્ય માટે કામ કરી રહી છે . તેને વિકસાવવા માટે પોતાના દ્વારા આર્થિક અને પોતાના મિત્રો સહયોગી નો સાથ લઇને કામ ઉભુ કર્યુ હતુ. પૂજય ઓ આર પટેલ સાહેબને આપણે યાદ કરવા જોઈએ સ્વાસ્થ્યનું આ કામ સ્વથી ઉપર ઉઠી સમાજ માટે સૌને ઉપયોગી થાય તેવી સામાજીક સંસ્થા આપી.
મોરબીની આસપાસના ગ્રામ્ય વિસ્તારના પરિવારોમાંથી બહેનોના શિક્ષણ માટેની એક ખૂબ જરૂરિયાત લોકોએ અનુભવી .મોરબીના જયરાજભાઇ પટેલ અને અનેક એવા શિક્ષણના કામને વરેલા મહાનુભાવો સાથે મોરબીમાં કન્યા છાત્રાલય અને સાથેના વિદ્યાલય અને કોલેજ જેવી વિદ્યામંદિર ઉભા કર્યા. આજે સમાજની જુદી જુદી બહેનો પોતે અભ્યાસ કરીને પગભર થઈ રહી છે અને વિવિધ ક્ષેત્રોની અંદર ખૂબ આગળ પડતા સ્થાન માં રહી અગ્રેસર ભાગ ભજવ્યો છે એ પણ એમના એક ચિંતન અને દૃષ્ટિને આભારી છે.
પોતે હંમેશા સ્વદેશી વસ્તુઓનો આગ્રહ કરતાં .તેમને એક બીડી નું વ્યસન હતુ, પરંતુ એ બીડી પણ સ્વદેશી રાખતા. પર્યાવરણની રક્ષા માટે અને જળ સંધારણ માટે પાણી બચાવવુ જોઈએ એ માટે જ મોરબી અને આસપાસના સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં ચેકડેમ દ્વારી પાણીને રોકવા માટેના કામમાં તેઓ ખૂબ આગળ પડતા રહ્યા .એમને બનાવેલા ઓરપેટ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સરકારની સહાયથી ઘણા ચેકડેમ બનાવી સંગ્રહિત પાણી જે આજુબાજુની ખેતીમાં ખૂબ જ ઉપયોગી થાય તે કામના રાહબર રહ્યા.
તેઓ સામાજિક સંસ્થાઓમાં પોતાને કિંમતી સમય આપતા હતા .રાષ્ટ્રની ચિંતા હંમેશા તેમની વાતોમાં જોવા મળતી.એમનુ રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના અને અન્ય રાષ્ટ્રીય ધાર્મિક કામોમાં એમનુ યોગદાન રહ્યું, સંઘના વિજયાદશમી ઉત્સવમાં અતિથિ તરીકે આવવુ અને પૂ ગુરુજી જન્મ શતાબ્દી વર્ષના કાર્યક્રમની પ્રાંતની સ્વાગત સમિતિમાં જોડાવું આમ એક રાષ્ટ્ર પ્રેમની અભિવ્યક્તિ અનેક સમયે જોવા મળેલ .તેઓ સંઘના કાર્યની હંમેશા પૂછપરછ કરતા રહેતા .મારી સંઘમાં રહેલી જવાબદારીની તેઓ ચિંતા કરતા .સદભાવના હોસ્પિટલની મારી સર્જનની જવાબદારી દરમિયાન 1992 ની કાર સેવા માટે અયોધ્યા જવાનું થયું ત્યારે એમની પાસે રજા લેવા ગયા .તેમણે પિતા તુલ્ય ચિંતા કરી અને સુરક્ષા બાબતની સૂચનાઓ આપી અને રજા આપી હતી. ઘરના માતા-પિતાને મળવા જવાનું સમય નહોતો મળી શક્યો પરંતુ ઓ આર પટેલ સાહેબની વાતો એ પરિવારના વડીલ સમાન હતી.
તેમની ઉંમરના ૭૫ વર્ષ નિમિતે તેમની હાજરીમાં ચાંચાપર ગામમા ૨૦૦૦ ની સાલમાં આરોગ્ય મેળા સાથે તેમના વજન જેટલું રક્તદાન કરવાનો નાનો પ્રયત્ન મોરબી IMA ડોકટરો કર્યો હતો.
સાહેબના રાષ્ટ્રીય અને ધર્મના સંસ્કારો તેમના પરિવારજનોમાં ઉતર્યા છે . અનેક ધાર્મિક ,સામાજિક અને રાષ્ટ્રીય કાર્યોની અંદર એમનો દાનનો પ્રવાહ અને સમયની મદદ મળતી રહે છે . ઓ. આર. પટેલની પુણ્યતિથિ નિમિત્તે અહીંના સ્થાનિક બધા કાર્યકર્તાઓ એ એક મેગા બ્લડ ડોનેશન કેમ્પ કર્યો જે સંખ્યાની દૃષ્ટિએ દુનિયાનો રેકોર્ડ બન્યો .આ સમાજની એમના પ્રત્યેની લાગણી દર્શાવે છે .આવા અનેક કામો દ્વારા એમનો પરિવાર અને સમાજ તેમને યાદ કરતો રહે એ જ અભ્યર્થના.
Monday, July 31, 2023
Nalinbhai suchak Janma din Subhkamna
Saturday, July 29, 2023
સ્વર્ગસ્થ લલિતભાઈ મહેતા ને શ્રધ્ધાંજલી
સ્વર્ગસ્થ લલિતભાઈ મહેતા એટલે વાંકાનેર ના પનોતા પુત્ર. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ખૂબ જૂના અને વરિષ્ઠ સ્વયંસેવક,જેમણે શિક્ષણ અને સ્વાસ્થ્યના વિષયો સાથે વાંકાનેર અને આજુબાજુના પંથકની પ્રજા માટે અનેક સેવાના પ્રકલ્પો ઊભા કર્યા .મોડાસા થી વાંકાનેર આવી વાંકાનેરમાં તાજેતરમાં શરૂ થયેલી કોમર્સ અને આર્ટસ કોલેજમાં સ્વર્ગસ્થ વણીકરજી સાથે રહીને કોલેજનું સુકાન સંભાળ્યું .ત્યારથી માંડીને અત્યાર સુધીની વાંકાનેરમાં શિશુ મંદિર, હાઈસ્કૂલ ,મહિલાઓ માટેની અલગ હાઇસ્કુલ ,વિવિધ વિષયોની કોલેજ, મહિલા કોલેજ જેવી અનેક શૈક્ષણિક સંસ્થાઓ ઉભી કરવામાં તનતોડ મહેનત કરી.
જયા માસી અને સવજી માસા

Friday, July 28, 2023
વૃક્ષો આપણા મિત્રો
વૃક્ષો આપણા મિત્રો
_____________
કવિએ કહ્યું છે કે
" સરોવર તરુવર સંતજન ઔર ચોથા વરસે મેહ
પરમાર્થ ને કારણે ચારુ ધરીયા દેહ"
આવા વૃક્ષો આપણા મિત્ર છે ,કારણ કે અંગ્રેજીમાં કહ્યું છે કે Frined in need is friend indeed . વૃક્ષો મિત્રોની જેમ દુઃખમાં મદદ કરવામાં આગળ અને સુખમાં વળતર લેવામાં પાછળ રહે છે.
*સૌથી અગત્યનુ મિત્ર તરીકેનું વૃક્ષોનું કામ જીવનદાતા તરીકેનું છે .આપણા ઉચ્છવાસ દ્વારા ઉત્પન્ન થતા અંગારવાયું એટલે કે કાર્બન ડાયોક્સાઇડ ને વાતાવરણમાંથી દૂર કરી આપણને પ્રાણ વાયુ એટલે કે ઓક્સિજન આપે છે. પર્યાવરણની સુરક્ષા કરતો આવો મિત્ર બીજે ક્યાં મળે?
* બાષ્પોત્સર્જન દ્વારા વાતાવરણમાં શિતળતા લાવે છે. એટલું જ નહીં વરસાદ અને મેઘરાજાને પણ ખેંચી લાવે છે .ધરતી માતાને તરબોળ કરે છે .એટલે જ આફ્રિકાના જંગલોમાં અને આસામ વગેરે ચેરાપુંજીના વિસ્તારોમાં વધારે વરસાદ પડે છે.
*આપણા જીવનને ટકાવવા માટે ખોરાક ,ફળ, ફૂલ, બીજ તથા મૂળ અનેક પ્રકારની વસ્તુઓ વૃક્ષો જ આપે છે. શાકાહારી માટે તો આ જીવનદાતા મિત્ર છે. સાથે સાથે જુદી જુદી દવા ઔષધીઓ માટે પણ વૃક્ષો આપણને ખૂબ જ ઉપયોગી છે.
*વૃક્ષો દ્વારા મળતું લાકડું રહેઠાણ ફર્નિચર બળતણ જેવી અનેક વસ્તુઓ બનાવવા માટે ઉપયોગી છે .ગુંદર અને કાગળ પણ વૃક્ષમાંથી જ બને છે ને!
*વૃક્ષો જમીનનું ધોવાણ અટકાવે છે . જમીનને રેગિસ્તાન બનતા અટકાવે છે .અને જળ ચક્ર માં મદદ કરે છે. પાણીને જમીનમાં ઉતારી જમીનનો જળસ્તર ઊંચું લાવવામાં મદદ કરે છે.
ટીવી જોતા અને વિડીયો ગેમ સામે બેસી રહેતા બાળકોને વૃક્ષો કહે છે" ચાલો મારી સાથે રમવા આવો "તેની ડાળ પરના હીંચકા ,આમલી પીપળીની રમતો અને છાયો બાળકો માટે તો સ્વર્ગ સમાન છે. યુવાનોના દિલોની વાતો પણ વૃક્ષો સાંભળે છે ,તો ઘરડાના વિસામાની વાતો પણ વૃક્ષો સાંભળે છે.
માણસનું રહેઠાણ બનાવવામાં પશુ પંખીને રહેઠાણ પૂરું પાડવામાં વૃક્ષો ખૂબ જ ઉપયોગી છે .વૃક્ષો ન હોય તો કોયલનો ટહુકાર ક્યાંથી સંભળાય! આપણે પણ બધા વન ભોજન કે અણગો કરવા માટે ક્યાં જઈએ છે ? વૃક્ષો પાસે જ જઈએ છીએ.અરે આપણી અંતિમ ક્રિયા માટે પણ લાકડા વૃક્ષો જ આપે છે.
આવા વૃક્ષો આપણા મિત્રો છે તેથી આપણા ધર્મમાં વૃક્ષોનું પૂજન થાય છે. પિતૃ માટે પીપળો, શંકર માટે બિલિપત્ર અને બહેનો તો વટ પૂજા વડ ની પૂજા કરે છે .કૃષ્ણએ ગીતામાં કહ્યું છે હું વૃક્ષોમાં પીપળો છું .કદમની ડાળો બોલે છે "શ્રીકૃષ્ણ શરણમ મમ "અને વિજ્ઞાનને ધર્મ સાથે જોડે છે વૃક્ષો.
આવા વૃક્ષ મિત્રોને બચાવવાની આપણી પવિત્ર ફરજ છે. વધુ વૃક્ષો વાવીએ, વૃક્ષોને કપાતાં અટકાવીએ .બહુગુણાજીએ ચિપકો આંદોલન દ્વારા વૃક્ષોને બચાવવા માટેનો ખૂબ કામ કર્યું .રાજસ્થાનના જોધપુર પાસે ખીજડી ગામમાં ખીજડાના વૃક્ષને બતાવવા માટે અમૃતાદેવી અને તેની બહેનપણીઓએ વૃક્ષને કપાતાં અટકાવવા તેને વીટળાઈ અને પોતાનો જીવ આપી દીધો .ત્યાંના રાજાએ તેમને માન આપી વૃક્ષ કાપવાનું બંધ કરાવ્યું . બિશનોઈ જ્ઞાતિ આજે પણ વૃક્ષોમાં દેવ ગણીને પૂજા કરે છે. આપણા જન્મદિવસે આપણે એક નવું વૃક્ષ વાવી ન શકીએ? પૂજ્ય પાંડુરંગ દાદા ની "છોડમાં રણછોડની વાતને યાદ રાખીએ" વૃક્ષોના વન બનાવી નૈમિષારણ્ય બનાવીએ. આમ નહિ કરીએ તો ઓક્સિજનના પડીકા વેચાતા લેવા પડશે.
વૃક્ષો વગરનું જીવન અધૂરું છે .વૃક્ષોને મિત્રો જીવન સંગાથી છે, જીવનદાન આપનાર દેવતાથી કમ નથી .આવા વૃક્ષોને ફક્ત વંદન નહીં, ઉછેર કરીને વન, ઉપવન અને તપોવન બનાવીએ ,એ જ સાચી કુદરત સાથેની સહજીવનની તપસ્યા છે.







